કડવું સત્ય : ગુજરાતમાં ત્રણ દાયકાથી ‘મુસ્લિમ સાંસદ’નો દુષ્કાળ!

By કન્હૈયા કોષ્ટી
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014 પરાકાષ્ઠાએ છે અને મોંઘવારી-ભ્રષ્ટાચાર જેવા તમામ મુદ્દાઓ વચ્ચે લઘુમતીના મતો માટે પણ સ્પર્ધા જામી છે. આઝાદી બાદ કોંગ્રેસના પડખે રહેનાર લઘુમતી સમુદાયના લોકો કાળક્રમે વિખેરાતા ગયાં અને હવે તેમના હમદર્દ હોવાનો દાવો કરનાર પક્ષોની મોટી ફોજ ઊભી થઈ ચુકી છે અને તેમાં મુખ્યત્વે કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અને જનતા દળ યુનાઇટેડનો પણ સમાવેશ થઈ ચુક્યો છે.

લઘુમતી એટલે કે મુખ્યત્વે મુસ્લિમ મતો મેળવવા માટે કોંગ્રેસ ઉપરાંત આ તમામ પક્ષો કેવા-કેવા નાટકોમાં રાચતાં હોય છે. મુસ્લિમ મતો માટે તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નરેન્દ્ર મોદીના નામ સામે વાંધો ઉઠાવ્યો અને ભાજપ સાથે યુતિ પણ તોડી નાંખી અને હવે તો જે ભાજપ મુસ્લિમો માટે અછૂત ગણાતો હતો, તે પણ પોતાની કથિત કટ્ટર છબીમાંથી બહાર આવી મુસ્લિમો પાસે મતોની અપેક્ષા કરવાનો સાહસ કરવા લાગ્યો છે.

ભાજપમાં મુસ્લિમ મતોની આશાનો સંચાર થયો ગુજરાતમાંથી જ. ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મુસ્લિમોએ પણ મોટાપાયે ભાજપ તરફી મતદાન કર્યુ હતું. ગુજરાતમાં ગોધરા કાંડ બાદ થયેલ રમખાણો પહેલા પણ મુસ્લિમો મોટાભાગે કોંગ્રેસને જ વોટ આપતા હતાં અને 2002 બાદ તો મુસ્લિમો દ્વારા ભાજપને વોટ આપવનો પ્રશ્ન જ ઊભો થતો નહોતો. આમ છતાં દસ વરસમાં પરિસ્થિતિઓ બદલાઈ અને હવે મુસ્લિમો કોંગ્રેસનું દામન છોડી ભાજપને વોટ આપવા લાગ્યાં છે. આમ છતાં ગુજરાતનો લઘુમતી સમુદાય આજે પણ મોટાપાયે કોંગ્રેસની સાથે છે, પરંતુ કોંગ્રેસે બદલામાં શું આપ્યું?

વાત જ્યારે ગુજરાતની જ નિકળી છે, તો આપને બતાવી દઇએ કે ગુજરાતની વસતી 6 કરોડ કરતા વધારે છે અને તેમાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા લગભગ 75 લાખ સુધી છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે કુલ વસતીનો આટલો મોટો સમુદાય લોકસભામાં પ્રતિનિધિત્વથી વંચિત છે. પરિસ્થિતિ અહીં સુધી વણસેલી છે કે છેલ્લા 30 વરસથી ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ સાંસદ ચુંટાઈને લોકસભામાં પહોંચ્યો નથી. ગુજરાતના મુસ્લિમો કોંગ્રેસને ખોબે-ખોબા મત આપે છે, પરંતુ બદલામાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો જ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસે લોકસભા ચૂંટણી 1998, 1999 અને 2004માં તો એકેય મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહોતી આપી. બીજી બાજુ ભાજપે તો અત્યાર સુધી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી જ નથી અને હવે જ્યારે તેમના દાવા મુજબ ભાજપને મુસ્લિમ મતો મળવા લાગ્યા છે, છતાં આ વખતે પણ ભાજપે કોઈ મુસ્લિમ ઉમેદવાર નથી ઉતાર્યો.

ગુજરાતમાંથી ચુંટાયેલા છેલ્લા મુસ્લિમ સાંસદ અહેમદ પટેલ હતાં કે જેઓ હાલ દિલ્હીમાં સેટ થઈ ગયાં છે અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે. અહેમદ પટેલ 1984-85ની લોકસભા ચૂંટણીમાં ચુંટાયા હતાં. તે પછી યોજાયેલ લોકસભાની 7 ચૂંટણીઓમાં એટલે કે છેલ્લા ત્રણ દાયકામાં ગુજરાતમાંથી કોઈ મુસ્લિમ સાંસદ લોકસભા સુધી પહોંચ્યું નથી.

ચાલો તસવીરો સાથે જોઇએ લોકસભા ચૂંટણી અને મુસ્લિમ સાંસદ :

ઝોહરા ચાવડા પ્રથમ મુસ્લિમ સાંસદ

ઝોહરા ચાવડા પ્રથમ મુસ્લિમ સાંસદ

દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી 1951માં યોજાઈ. ત્યારે ગુજરાત મુંબઈમાં સમાવિષ્ટ હતું અને બનાસકાંઠા મતવિસ્તારમાંથી અકબર ચાવડા ચુંટાયા હતાં. 1957માં પણ અકબર ચાવડા ચુંટાયાં. પૃથક ગુજરાતની સ્થાપના બાદ થયેલ લોકસભા ચૂંટણી 1962માં બનાસકાંઠાથી અકબર ચાવડાના પત્ની ઝોહરા ચાવડા ચુંટાયાં. આમ ઝોહરા ચાવડા ગુજરાતમાંથી ચુંટાયેલા પ્રથમ મુસ્લિમ સાંસદ બન્યાં.

પંદર વરસ બાદ અહેસાન-અહેમદ

પંદર વરસ બાદ અહેસાન-અહેમદ

લોકસભા ચૂંટણી 1967 અને 1971માં ગુજરાતે એક પણ મુસ્લિમ સાંસદ ન ચૂંટ્યો. પંદર વરસ બાદ એટલે કે 1977માં અમદાવાદમાંથી અહેસાન જાફરી અને ભરૂચમાંથી અહેમદ પટેલ કોંગ્રેસ સાંસદ તરીકે વિજયી બન્યાં.

અહેમદની હૅટ્રિક

અહેમદની હૅટ્રિક

1980 અને 1984ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભરૂચ બેઠક ઉપરથી અહેમદ પટેલ ચુંટાયાં અને તેમણે વિજયની હૅટ્રિક નોંધાવી.

અહેમદનો જાદૂ ઓસર્યો

અહેમદનો જાદૂ ઓસર્યો

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 1989 અને 1991માં પણ અહેમદ પટેલને ભરૂચ બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં, પરંતુ બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે જ ગુજરાતમાંથી મુસ્લિમ સાંસદનો દુષ્કાળ પ્રારંભ થયો.

ઇર્શાદ મિર્ઝા નિષ્ફળ

ઇર્શાદ મિર્ઝા નિષ્ફળ

લોકસભા ચૂંટણી 1996માં કોંગ્રેસે એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર ઇર્શાદ મિર્ઝાને અમદાવાદમાંથી ટિકિટ આપી કે જેઓ ભાજપના હરિન પાઠક સામે પરાજિત થઈ ગયાં.

ટિકિટમાંથી જ બાદબાકી

ટિકિટમાંથી જ બાદબાકી

મુસ્લિમ ઉમેદવારોની કફોડી હાલત જોઈ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 1998, 1999 અને 2004માં કોઈ જ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ જ ન આપી અને એટલે જ ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવાર લોકસભામાં ન પહોંચી શક્યો.

દુષ્કાળ કંટીન્યુ...

દુષ્કાળ કંટીન્યુ...

લોકસભા ચૂંટણી 2009માં કોંગ્રેસે ફરી એક વાર ભરૂચમાંથી મુસ્લિમ ઉમેદવાર તરીકે અઝીઝ ટંકારવીને ઉતાર્યાં, પરંતુ ભાજપના મનસુખ વસાવા સામે તેઓ હારી ગયાં અને ગુજરાતમાંથી મુસ્લિમ સાંસદની ચૂંટણીનો દુષ્કાળ ચાલુ રહ્યો.

મકસૂદ નાથશે દુષ્કાળ?

મકસૂદ નાથશે દુષ્કાળ?

હવે કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં પણ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં કંજૂસી રાખી છે. કોંગ્રેસે આ વખતે પણ એક જ મુસ્લિમ ઉમેદવાર મકસૂદ મિર્ઝાને ઉતાર્યાં છે અને તે પણ નવસારી બેઠક ઉપરથી. તેમનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ સી. આર. પાટિલ સામે છે. હવે જોવાનું એ રહેશે કે શું મકસૂદ ગુજરાતમાંથી મુસ્લિમ સાંસદના ત્રણ દાયકાના દુષ્કાળને નાથી શકશે?

English summary
Congress party receives huge votes of Muslim community in Gujarat, but party shows miserliness to give election tickets to muslims. So, not a single muslim MP elected from Gujarat since three decades. Ahmed Patel was last muslim MP from Gujarat. He elected from Bharuch sabha seat in Lok Sabha Election 1984-85.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X